આંતરરાષ્ટ્રીય રમતગમત મંચ પર ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગુજરાતના કુલ 18 ખેલાડીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ રૂ. 9.27 કરોડથી વધુની પ્રોત્સાહક ઈનામી રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. રમતવીરોની આ મહેનતને બિરદાવીને રાજ્ય સરકારે રમતો પ્રત્યે પોતાનું સમર્થન પુનઃ વ્યક્ત કર્યું છે.
ક્રિકેટરો જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને રાધા યાદવને પ્રત્યેકને રૂ. 66 લાખ એનાયત
આ સન્માન સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણ સફળતા અપાવનારા ગુજરાતના સ્ટાર ક્રિકેટરો જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને મહિલા ક્રિકેટર રાધા યાદવને પ્રત્યેકને રૂ. 66 લાખની રોકડ પુરસ્કાર રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય રમતગમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા અન્ય ખેલાડીઓને પણ તેમની સિદ્ધિઓ મુજબ પુરસ્કારો આપવામાં આવ્યા છે.
પેરા એથ્લેટ્સ પર ઈનામોનો વરસાદ, અંજનાબેનને રૂ. 2 કરોડ અને તેજલબેનને રૂ. 1.50 કરોડ
પેરા એશિયન ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરીને મેડલ જીતનાર દિવ્યાંગ ખેલાડીઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે ખેલાડીઓ તેમની રમતના ટ્રેનિંગ શિબિર અથવા સ્પર્ધાના કારણે આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહી શક્યા નથી, તેમના બેંક ખાતામાં આ ઈનામી રકમ સીધી DBT (Direct Benefit Transfer) ના માધ્યમથી જમા કરાવવામાં આવશે. રાજ્ય સરકારની આ પ્રોત્સાહક નીતિથી આગામી સમયમાં ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રેરિત થશે.

આ પણ વાંચો: Gandhinagar News: સરકારી કર્મચારીઓને મળી દિવાળી ભેટ, સરકારે કરી બોનસની જાહેરાત!
